DELIVERING YOUR FAVORITES FOR FREE ACROSS INDIA!
Shopping Cart

દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન

Health Benefits Of Raw Honey

By કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

March 09, 2021

દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?

દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન

બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ બગાડે છે: જાણો કે, અસલી મધ કોને કહેવાય!

-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર

અહીં આપેલા ફોટોગ્રાફ્સમાંથી એક ફોટોમાં મધની ચાર બરણી ગોઠવેલી છે. ચારેયના કલર જુઓ. કોઈનો કાળો તો કોઈનો સફેદ, લાલ અને બ્રાઉન. કહો જોઉં, ચારેયમાંથી શુદ્ધ મધ કયું ગણવું? વેલ, આ ચારેય મધ 100% પ્યોર છે. સૌથી નીચે કાળું મધ છે એ સિસમના ફુલમાંથી મધમાખીઓએ ચૂંટયું છે, તેના પર દૂધ જેવું સફેદ મધ છે તે કાજુના ફુલમાંથી ચૂંટેલું છે, તેની પર બ્રાઉન રંગનું છે તે અજમાનું અને ઉપર લાલ રંગનું છે તે બોરમાંથી બનેલું છે. ચારેય મધ શુદ્ધ જ છે પણ તેના ગુણ અલગ છે. સ્વાદ પણ નોખા. અજમાનું મધ મીઠું તો છે જ પરંતુ એમાં થોડી કડવાશ પણ આવે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ. કાજુનું મધ ભરપૂર શક્તિ આપે. આ ચારેય મધના ઉત્પાદક છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના દર્શન ભાલારા (મોબાઈલ: 9662166770) નામના યુવાન.

મધ ઉત્પાદક કહેવા કરતા તેમને મધપ્રેમી કે સ્વાસ્થ્યપ્રેમી કે કહેવા વધુ યોગ્ય ગણાય. MBAની ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે 40 હજારના પગારની સરસ નોકરી હતી. ઘેર નેવું વીઘાની પાણીદાર અને ઉપજાઉ જમીન. 2014માં વડા પ્રધાન મોદીએ પોતાના એક વક્તવ્યમાં કૃષિ ક્ષેત્રે વેલ્યુ એડિશન પર થોડી વાતો કરી. દર્શનભાઈએ નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધરે એવો વ્યવસાય કરવો છે. પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ 900 પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે.

ઘણાંને સવાલ થાય કે, બજારમાં પાંચસો પ્રકારના બ્રાન્ડેડ મધ ઉપલબ્ધ છે ત્યારે દર્શન ભાલારાનું મધ શું અલગ છે? વિશિષ્ટ છે? હા. એ એકદમ સ્પેશિયલ છે. તેમના મધમાં ભેજ-મોઇશ્ચરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપદંડથી એક ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણતઃ પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. અચ્છા, પૂર્ણરૂપે પાકેલું મધ એટલે શું? મધમાખી જ્યારે મધ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લે ત્યારે એ પૂડાને વેક્સ વડે સિલ કરી દે. આ ઘટના બને એટલે સમજવાનું કે મધ સંપૂર્ણપણે પાકી ગયું. એ પછી મેળવેલું મધ જ સાચું ગણાય. પણ આ પ્રક્રિયા દ્વારા મધનું વજન ખૂબ ઘટી જાય. કાચું મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણું વધી જાય, નફો વધે. પણ એ મધ સાવ ઓછું ગુણકારી હોય. પ્યોર મધ જોઈતું હોય તો તેની પડતર કિંમત જ ખૂબ ઊંચી જાય. આપણે ત્યાં હૉલસેલમાં મધની મહત્તમ કિંમત 150 રૂપિયા કિલોની છે! મહાકાય કંપનીઓ આ જ ભાવે ઉત્પાદકો પાસેથી મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડના લેબલ મારી બજારમાં વેંચે છે. કેટલીક અત્યંત જાણીતી કંપનીઓ તેમાં ફ્રુટ સીરપ અને કોર્ન સીરપ તથા પેસ્ટીસાઈડ્સ પણ ભેળવે છે. આ મધ ડેરીના દૂધ જેવું હોય. ઘેટાં-બકરાં, જર્સી ગાય, ભેંસ... બધાનું મિક્સ થાય તેમ મધ પણ બધું એકઠું થાય. તેમાં બાવળનું પણ હોય અને રાઈનું પણ હોય. એના મૂળ-કુળનો ખ્યાલ ખુદ કંપનીને પણ ન હોય. ભાલારાનું મધ 100% પાકેલું છે અને એ ખરા અર્થમાં Raw છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. એટલે જ એ થોડું મોંઘુ છે.

બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડમાંથી 99.9% મધ કાચું અને પ્રોસેસ્ડ હોય એ લખી રાખજો. બીજી મહત્વની વાત: દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમાં લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાનાં જ નોખાં હોય! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા ક્યાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધત્તમ બનાવે છે.

દર્શન ભાલારાને શુદ્ધ મધ પીરસવાનું ઘેલું લાગ્યું છે. એમનું ઉત્પાદન તોતિંગ નથી પણ નિષ્ઠા અને પ્રામાણિકતા પહાડ જેવી છે. મધનું પેકીંગ કાચની બોટલમાં જ થવું જોઈએ એવું તેઓ વાજબી રીતે જ માને. એટલે જ છેક મલેશિયાથી વિશિષ્ટ બોટલ મંગાવે, બોક્સની અંદર થર્મોકોલ ગોઠવીને પછી જ એ મધ સપ્લાય કરે. પોતાની જ એક બ્રાન્ડ. નામ: મધુધારા. કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં, કોઈ સ્ટોકિસ્ટ નહીં. પોતે જાતે જ ઓર્ડર પર કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે! અને એક વખત એમનું મધ ચાખ્યું હોય એ વ્યક્તિ બીજું મધ ક્યારેય અજમાવે નહીં.

મધની જેમ તેમનું ગીર ગાયનું ઘી પણ સર્વોત્તમ. તેમની પાસે સારી સંખ્યામાં ગીર ગાય છે. આ ગાયોને ખોરાકમાં લીલું ઘાસ અને ટોપરાંનો ખોળ જ આપે. દૂધ માત્ર પિત્તળના વાસણમાં દોહવાનું, દહીં મેળવવા માટે માત્ર માટીનાં વાસણો. વલોવવા માટે લાકડાંના વલોણાનો જ ઉપયોગ. માખણ બને એટલે એ પાત્રના મુખને કપડાંથી બાંધી ને તેમની વાડીની ફરતે આવેલા લીમડા નીચે રાત્રે મુકવાના. છેવટે માટીના વાસણમાં જ દેશી ચૂલા પર ઘી બનાવવાનું. આ અસલી આયુર્વેદિક પદ્ધતિ છે. રોજ લગભગ એકસો લિટર છાસ થાય પણ કદી એનું વેંચાણ ન કરે, ગામમાંથી જેમને જોઈતી હોય એ નિઃશુલ્ક જ લઈ જાય. ઘીનો વ્યવસાય એમણે શરૂ કર્યો ત્યારે એમના દાદીમાએ વચન લીધું હતું કે, એ ક્યારેય છાસના પૈસા નહીં લે! આજે પણ એ વચન તેઓ ખુશીથી નિભાવે છે.

આજે ખેડૂતના જુવાન દિકરાને ખેતી નથી કરવી, ખેડૂતોને લોનમાફી અને સરકારી સહાયમાં બહુ રસ ઉપડ્યો છે. રોદણાં રોવા છે પણ ખેતીમાં વેલ્યુ એડિશન નથી કરવું. મગફળી અને કપાસ સિવાય પણ જગતમાં બીજું ઘણું છે એવું વિચારવું નથી. આવાં અનેક લોકો માટે દર્શન ભાલારા એક આદર્શ ઉદાહરણ છે. પ્રામાણિકતાથી ખેતી-ગોપાલન થાય, વેલ્યુ એડિશન વિશે વિચારવામાં આવે તો ઊચ્ચ વર્ગનો જાગૃત ગ્રાહક ભારેખમ ગજવું લઈ ને તમારી પ્રોડક્ટ ખરીદવા લાઈનમાં ઉભો છે.

 

દર્શન ભાલારાનો તમે 9662166770 મોબાઈલ પર સંપર્ક કરી શકો છો

Vist Madhudhara Website www.madhudhara.com

Share on Your Social Media