મધ વિષયની હૃદયંગમ વાતો...
By આયુર્વેદ નું અમૃત... વૈદ્ય મહેશ અખાણી,
મધની વાતો પણ મીઠી મધ જેવી અને હ્રદયની વાત પણ હૃદયંગમ હોય તે સ્વાભાવિક છે. તેમાંય મધ વિષે હ્રદયથી વાત કહેવાતી હોય પછી બીજું પૂછવું જ શામાટે? સાચું મધ તો સુવર્ણ જેટલી ગુણવત્તા ધરાવે છે. પરંતુ આજે ભેળસેળનાં જમાનામાં સાચું શોધવું ક્યાં?. સમજો સાચું મધ મળી જાય તો પણ તે યોગ્ય ગુણવતાવાળું છે કે કેમ તે કેવીરીતે નક્કી કરવું? તથા કયું ને કેવું મધ ઉત્તમ છે. મધનાં ફાયદા અને નુકશાન વિષે અત્યારે આપણે થોડોક વિચાર કરીએ.
આયુર્વેદમાં મધ ને ઉત્તમ યોગવાહી કહ્યું છે.
યોગવાહી એટલે તે જે જે દ્રવ્યની સાથે ભેગું કરીને લેવાય તે તે દ્રવ્યના ગુણોને વધારીને તે દ્રવ્ય અમૃત સમાન બનાવે તેને યોગવાહી કહેવાય. મધને જેની સાથે લેવાય તેના ગુણને તે વધારવાનું અને તેને અમૃત સમાન બનાવવાનું કામ કરેછે.
મધ કાચું છે કે પાકું?
મધને અગ્નિ અને ગરમ ઉપચારોથી વિરોધ છે. તેથી મધને ક્યારેય ગરમ કરવું નહિ. કેટલીક ફાર્મસીઓ મધને નિશ્ચિત તાપમાન સુધી ગરમ કરે છે કારણકે તેનાથી તેમાંનો ભેજ ઉડી જાય અને મધ પાકું થાય પરંતુ તે યોગ્ય નથી.
તૈયાર મધપૂડાને જુદી જુદી વનસ્પતિ પાસે લઇ જઈને જે મધ બને છે તેમાંપણ ઝડપી ઉત્પાદન મળે અને ઓછી મહેનત થાય તેવા હેતુથી કાચું મધ ભેગું કરવામાં આવે છે જે કાચું મધ ફાયદો કરવાને બદલે ત્રણેય દોષ વધારીને નુકશાન કરનાર બને છે તેવું આચાર્ય સુશ્રુત કહે છે. કાચું મધ પાતળું હોય છે જ્યારે પાકું મધ જાડુ, ઘટ્ટ ને સ્વાદિષ્ટ હોય છે.
મધના ગુણો:
મધ મીઠું છે પરંતુ તેનો અનુરસ તૂરો છે. મધ ઠંડુ છે, પચવામાં હલકું છે. ઠંડકનો અને હલકાપણાનો ગુણ સાપેક્ષ છે કારણકે ઝેરવાળા રસ ચૂસવાવાળીનું મધ ગરમ હોય છે અને કાચું મધ ગરમ હોય છે. મધ લૂખું છે તેથી કફને, બ્લોકેજને, મળને ઉખેડીને ચોખ્ખા કરે છે. વ્રણને ચોખ્ખા કરીને રૂઝ લાવે છે, સુકુમારપણું એટલેકે નમણાશ આપેછે, ભાંગેલા હાડકાને સાંધે છે, હૃદયને હિતકારી છે, સાચું ને પાકું મધ પ્રમેહ – મધુમેહમાં પણ લાભદાયી છે. મધથી હેડકી, શ્વાસ, ખાંસી, ઝાડા, ઉલટી, તરશ, કૃમિ તથા ઝેરને શાંત કરે છે.
મધમાખીનાં આધારે મધનાં આઠ પ્રકાર છે. પૌતિક, ભ્રામર, ક્ષૌંદ્ર, માક્ષિક, છાત્ર, આર્દ્ર્ય, ઔદ્દાલક અને દાલ એમ આઠ જાતનું મધ થાય છે. પરંતુ પ્રદેશ અને વનસ્પતિનાં આધારે પણ તેના ગુણદોષમાં સામાન્ય પરિવર્તન આવે છે. જેમકે.. ઘણું કરીને હિમાલયના જંગલોમાં પીંગલી માખી થાય છે. તે મધ છત્ર મધ કહેવાય છે. તે મધ પીંગળું, પીળું, ચીકણું, ઠંડુ, ભારે, પચવામાં મીઠું, તૃપ્તિ કરનાર તથા કૃમિ, સફેદ કોઢ, રક્તપિત, પ્રમેહ, ભ્રમ, તરશ, મોહ તથા ઝેરને મટાડનાર છે.
મધ જે વનસ્પતિનાં સંપર્કથી લેવામાં આવ્યું હોય તેના પણ લાભ થાય છે. જેમકે.. અજમાનું મધ વાયુ, કફનું શમન કરનાર છે. નીલગીરીનું મધ વાતવ્યાધી – “વા” નાં દર્દો માટે લાભદાયી છે. બાવળનું મધ કફનું શમન કરનાર ને વજન વધારનાર છે. કરંજનું મધ ચામડીના રોગો, કૃમિ, માથાનો દુખાવો દૂર કરનાર છે. વરીયાળીનું મધ ભૂખ લગાડે, ખોરાક પ્રતિ રૂચી વધારે ને પાચન સુધારનાર છે. જાંબુનું મધ પેશાબનો વર્ણ સુધારે, પેશાબની વધુ પ્રવૃત્તિ ઓછી કરે અને પ્રમેહમાં લાભદાયી છે. સીસમનું મધ શરીરની ગરમી દૂર કરવામાં ઉપયોગી છે.
વૈદ્ય મહેશ અ. અખાણી, વૈદ્ય પરાશર મ. અખાણી.અમૃત આયુર્વેદ કેન્દ્ર, હનુમાન ટેકરી, પાલનપુર. મો. ૯૪૨૮૩૭૧૧૫૫